વડોદરામાં વર્ષ-1976માં ટેનેન્સી એક્ટ હેઠળ ખેડૂતો દ્વારા માંજલપુર વિસ્તારમાં રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર દસ્તાવેજ કરેલ જમીનોને કાયદેસર કરવા અંગે આજરોજ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા વડોદરા શહેર/જીલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. વર્ષ-1976મા ટેનેન્સી એક્ટ હેઠળ ખેડૂતો દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં રૂ.100/- ના સ્ટેમ્પપેપર પર દસ્તાવેજ કરી ખેતરોનુ વેચાણ કરવામાં આવેલ જ્યાં અંદાજે 192 થી વધુ સોસાયટીઓ અને નગરો વિકસ્યા હતા પરંતુ તે જગ્યાઓ કાયદેસર થઇ ન હતી.
કાયદાકીય દ્રષ્ટિએ પણ આવી જમીનો પર બનેલ સોસાયટીઓ અને નગરો કાયદેસર નથી જેના કારણે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવા સોસાયટીઓમાં અને નગરોમાં આવેલા આવાસોને ગમે ત્યારે દૂર કરી શકે અથવા તો હટાવી શકે તેમ હોઇ જે તે સમયે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રી દ્વારા વડોદરા કલેક્ટરશ્રીને આ બાબતે ઘટતું કરવા સૂચિત કરેલ પરંતુ હજી સુધી આવી સોસાયટીઓ અને નગરોના આવાસોને કાયદેસર કરવામાં ન આવતાં આજરોજ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી માંજલપુર વિસ્તારમાં આવેલ 192 જેટલી સોસાયટીઓ તથા નગરોની ફાઇલો મંગાવવા અપીલ કરી સાથે જ તેની જંત્રી કિંમત ભરાવી આવી સોસાયટીઓ તથા નગરોને કાયદેસર કરવાની રજૂઆત કરી હતી.