વાપીમાં વરસતા વરસાદમાં ગરબાની રમઝટ

admin
1 Min Read

વલસાડ જિલ્લામાં ત્રીજા નોરતે ગરબાના સમયે જ વરસાદી માહોલ જામ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં રાત્રે એકાએક વરસાદ શરૂ થતા ગરબા આયોજન સ્થળ પર દોડધામ મચી ગઇ હતી. જોકે, કેટલાક ગરબા આયોજન સ્થળે વરસતા વરસાદમાં ગરબાની રમઝટ જામી હતી. એક બાજુ મેદાનમાં વરસાદ શરૂ થયો તો બીજી તરફ મેઘરાજીની બેટિંગ વચ્ચે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત્રે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે ખેલૈયાઓ બમણા ઉત્સાહથી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વાપીમાં થોડા સમય સુધી વરસેલા વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાયું હતું. જોકે, ઉત્સાહમાં આવી ગયેલા ખેલૈયાઓ ગરબા મેદાનોમાં ભરાયેલા પાણી વચ્ચે પણ ગરબે ઘૂમ્યા હતા. ત્રીજા નોરતે વાપીમાં વરસાદ વિઘ્ન રૂપ બન્યો હતો પરંતુ વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો ન હતો.

Share This Article