સાબરકાંઠા : પોશીનામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

admin
1 Min Read

ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં દાંતામાં 4 ઇંચ, અમીરગઢ અને પાલનપુરમાં 3 ઇંચ, દાંતીવાડા અને વડગામ 2.5 ઇંચ, લાખણી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોશીના બજારમાં પાણી ભરાઈ જતા રાખડીઓના વેપારી ચિંતામાં મુકાયા હતા. અને ભારે વરસાદને પગલે લોકો પણ અટવાયા હતા. હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાવા પામ્યુ હતું. તો હિમતનગર-શામળાજી નેશનલ હાઇવે નં-8નું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી છે તેને લઈને ડ્રેનેજ બ્લોક થઇ જતા વરસાદી પાણી રસ્તાઓ ભરાવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 73 મિમી, ખેડબ્રહ્મામાં 110 મિમી, તલોદમાં 25 મિમી, પ્રાંતિજમાં 18 મિમી, પોશીનામાં 155 મિમી, વડાલીમાં 54 મિમી, વિજયનગરમાં 69 મિમી અને હિમતનગરમાં 63 મિમી વરસાદ નોંધાયો છે.

Share This Article