જંગલોમાંથી વન્ય જીવો આસપાસના ગામડાઓમાં આવી જતા હોવાની ઘટનાઓના સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ. ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય જીવો ગામડાઓ અને શહેરો તરફ આવતા હોય છે. ત્યારે ઘણી વખત અજગર જેવા વન્ય જીવો પણ ગામડાઓમાં આવી પહોંચતા હોય છે.
ત્યારે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નાલશેરી ભગોરા ફળિયામાં અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અજગરની વાત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચતા થોડીવારમાં જ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. થોડીવાર માટે તો લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ત્યાર બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગના કર્મચારીએ આવી અજગરને ઝડપી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે લગભગ 11 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા અજગરને પકડતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ આ અજગરને વિજયનગર નોર્મલ રેન્જ દ્રારા વણજના જંગલમાં સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.
