રાજ્યનાં પશુધનને ઉચ્ચ જનીનીક ગુણવત્તા વાળા સાંઢ તેમજ પાડાથી સંવર્ધન કરવા અને તે દ્વારા સંતતિની ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બીજદાનની ઉપયોગીતા ખુબજ આવશ્યક છે. આ માટે કેન્દ્ર પુરસ્કૃત રાષ્ટ્રિય ગાય અને ભેંસ સંવર્ધન કાર્યક્રમ(એનપીસીબીબી) અંતર્ગત રાજ્યમાં ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો તૈયાર કરવાની યોજના છે. આ માટે રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઇનોવેશન કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવેલા છે.
જેમાં સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના માથાસુર ત્રણ રસ્તા પાસે પણ આવું જ એક તાલીમ કેન્દ્ર બનાવવામાં આવેલું છે. જેને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત થયેલી છે જેમાં દસમું ધોરણ પાસ બેરોજગાર યુવાનો માટે માત્ર 90 દિવસનો એક તાલીમી અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. જેમાં કુત્રિમ બીજદાનની સંપૂર્ણ માહિતી અને પ્રેક્ટીકલ વર્ક શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ તાલીમ બાદ યુવાનોને આસપાસના ગામડાઓમાં કૃત્રિમ બીજદાન થકી રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના વધુમાં વધુ યુવાનો આ તાલીમનો લાભ મેળવે તો સરકારનો પ્રયાસ સાર્થક થયો તેમ કહી શકાય.
