વડાલીમાં દેખાયો પોલીસનો માયાળુ ચહેરો

admin
2 Min Read

પોલીસનો માયાળુ ચહેરો વરસાદમાં પલળતાં પાંચ બાળકોને પોલીસ સ્ટેશન લાવી નવા કપડાં પહેરાવી રમકડાં આપવામાં આવ્યા હતા. પોશીના તાલુકાના ખીજડા ગામના રહીશ કાકા સાથે અનાથ બાળકો વડાલી આવ્યા હતા. સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે રૂક્ષ વર્તન, કરડાકી, ધમકીભર્યો અવાજ નજર સામે તરવા માંડે પરંતુ સાબરકાંઠા પોલીસનો માયાળુ ચહેરો સામે આવ્યો છે. એસ.પી.ચૈતન્ય મંડલીક દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગના કડક આદેશો અનુસંધાને વડાલી પીએસઆઇ પી.પી.જાની મોડી સાંજે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રેલ્વે ફાટકથી કેશરગંજ તરફ જતાં કાચા રસ્તા પર એક નાનુ બાળક મળી આવતાં તેને ગાડીમાં બેસાડી પૂછપરછ કરતા તેની સાથે અન્ય ચાર બાળકો હોવાનું જણાવતા તેને સાથે લઈને તેણે બતાવેલી જગ્યાએ જતા ચાર બાળકો ચોમેર પાણીથી ઘેરાયેલા લીમડા નીચે ચાલુ વરસાદમાં બેઠા હતા.પાણીમાં ઉતરી ચારેય બાળકોને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી પોલીસ કર્મીઓએ હેત વરસાવ્યું હતુ. બાળકોના પોલીસ સ્ટેશનમાં જ વાળ કપાવી નવા કપડાં પહેરાવી તૈયાર કર્યા હતા અને રમકડા ભેટ આપ્યા હતા. સાનુકૂળ હેતભર્યુ વાતાવરણ મળતા બાળકોએ જણાવ્યું કે પોશીના તાલુકાના ખીજડા ગામના છે વડાલી પોલીસે સરપંચનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે બાળકોના પિતાનું મૃત્યુ થયા બાદ માતાએ બીજા લગ્ન કરી લેતા તેમના કાકા દિનેશભાઈ શંકરભાઈ ગમાર સાથે મજૂરી કરવા નીકળ્યા હતા. પોલીસે પાંચેય બાળકો કાજલ કાન્તિભાઇ ગમાર, વિશ્વાસ કાન્તિભાઈ ગમાર, વિપુલ કાન્તિભાઈ ગમાર, પકાભાઇ પ્રવીણભાઈ ગમાર અને કૈલાશ પ્રવીણભાઈ ગમારને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા હતા.

Share This Article