સાબરકાંઠા : હિંમતનગરના વક્તાપુર ગામ નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું

admin
1 Min Read

હિંમતનગરના વક્તાપુરમાંથી એસઓજીએ પુરવઠા વિભાગને સાથે રાખીને ગુરુવારે પાર્થ પેકેજીંગ એન્ડ પ્રિન્ટિંગમાં રેડ કરતાં બાયોડીઝલના નામે વેચાણ થઈ રહેલ જ્વલનશીલ પ્રવાહીનો અંદાજે રૂ. 3,06,600 નો 4380 લિટર જથ્થો મળતાંચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ડીઝલ-ઓઇલનો તા. 15-07-20 થી ખોડીયાર એન્ટરપ્રાઇઝના નામે ગેરકાયદે વેપલો થઇ રહ્યો હોવા છતાં વેચાણ વેરા વિભાગ, પુરવઠા વિભાગ કે પોલીસને ખબર ન હતી. મળતી માહિતી અનુસાર વક્તાપુરની સીમમાં સર્વે નં- 107 માં પાર્થ પ્રિન્ટીંગ એન્ડ પેકેજીંગ નામના એકમના શેડવાળા કમ્પાઉન્ડમાં ગેરકાયદે રીતે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હોવા અંગે માહિતી મળતાં એસઓજી પીઆઇ કોમલ રાઠોડે હિંમતનગર મામલતદારને સાથે રાખી ગુરુવારે રેડ કરતાં હાજર મળેલ ભગવતીભાઈ બંસીલાલ ચાવલા (39), રહે.અરીહંત સોસાયટી મહાવીરનગર હિંમતનગર) ને સાથે રાખી શેડ ખોલાવતા અંદર બેરલનો મોટો જથ્થો મળ્યો હતો.

જેમાં 20 બેરલ ભરેલા હતા અને 25 બેરલ ખાલી હતા. ભરેલા બેરલાના પ્રવાહી બાબતે પૂછતાં ભગવતીભાઇએ બાયોડીઝલ હોવાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી કોઇપણ વેચાણ પરવાનગી ન મળતાં અને ફાયર સેફ્ટીનો પ્રબંધ ન હોવાથી પોલીસે રૂ. 3,06,600 નો 4380 લીટર બાયો ડિઝલનો જથ્થો, પાઈપો, મોટર વગેરે મળી કુલ રૂ.55,800 નો મુદ્દામાલ સીઝ કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article