જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

Subham Bhatt
2 Min Read

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.8-4-2021ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવી હતી. જેમાં કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં કીડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘર આંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1 કરોડ 70 લાખ 80 હજારના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ધસારો ઓછો થશે, તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ચાર કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.

Share This Article