સાબરકાંઠા જિલ્લામાં આજથી એક સાથે 6 એપીએમસી સેન્ટરો પર મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં સરકાર દ્વારા એક હજારથી વધુના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણી કરાયેલા 21124 ખેડૂતો પૈકી માત્ર પાંચ ખેડૂત પોતાની મગફળી એપીએમસી સેન્ટર પહોંચ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ચારથી 5 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હોવાના પગલે વહીવટીતંત્ર પણ વિસામણમાં મુકાયું છે. સમગ્ર ગુજરાત આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે. જેમાં પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મગફળી વેચવામાં નીરસતા દેખાય છે. ગત વર્ષે વહીવટી તંત્રની બેદરકારીના પગલે મગફળી લેવા માટે અઢી મહિનાથી વધુનો સમય લાગતા ગુજરાત સહિત જિલ્લામાં ઘણી બધી જગ્યાએ વિરોધાભાસ ઉભો થયો હતો. જો કે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 53 કર્મચારીઓ સહિત અલગ-અલગ છ માર્કેટયાર્ડ દ્વારા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે.

સાથોસાથ ખેડૂતોને આ વર્ષે પાછોતરા વરસાદને પગલે ભારે નુકસાન જવાના કારણે સરકાર સામે સહાયનો હાથ લંબાવ્યો છે તેમજ સરકાર દ્વારા વિશેષ પેકેજની પણ માંગ કરી છે. સરકાર દ્વારા હાલમાં અપાઇ રહેલા ટેકાના ભાવ કરતા ખેડૂતોને વરસાદી માહોલમાં મગફળીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના છે. જેના પગલે ખેડૂતોએ હાલ વાતાવરણને જોતા પાક તૈયાર કરવાનું મુનાસિબ માન્યું નથી. જેથી આજે જિલ્લાના તમામ એપીએમસી સેન્ટર ઉપર ખેડૂતોની પાખી હાજરી જોવા મળી છે. જોકે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ન થવાની આગાહી થશે તો જિલ્લાના બધાં જ માર્કેટ ખેડૂતો તેમ જ મગજ ફરીથી ઉભરાઇ જશે.
