મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અને રૂ.800 થી રૂ.1470 નો ભાવ બોલાયો હતો. હિંમતનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે 9130 બોરીની આવક થયા બાદ અને એક સપ્તાહની ખરીદીના ઊંચા ભાવ પડતા શનિવારે મગફળીના વેચાણ માટે ખેડૂતોએ ધસારો કર્યો હતો. ઉઘાડ નીકળતા જ વહેલી પાકતી 24 નંબર મગફળી બહાર કાઢવાનુ કામ પૂરજોશથી ચાલી રહ્યુ છે અને માલ તૈયાર થતા માં જ ખેડૂતો માલને માર્કેટ યાર્ડમાં રવાના કરી રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નારાયણદાસ પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં 24 નંબરની મગફળીની આવક થઇ રહી છે. જિલ્લા ઉપરાંત માણસા, મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, લુણાવાડા થી ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે અને માલની ગુણવત્તા પ્રમાણે ઊંચા ભાવ મળતા તેમાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હિંમતનગર ખાતે રૂા.350 થી રૂા.400 જેટલો પ્રતિમણ ઊંચો ભાવ બોલાયો છે. નોંધનીય છે કે મગફળીની ખરીદીના શરૂઆતના તબક્કામાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં રૂા.400 થી રૂા.500 વધુ મળી રહ્યા હોવાથી વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટ, ગુણવત્તામાં ફેરફાર સહિતની નુકસાની પણ સરભર થઇ રહી છે. શનિવારે રૂ.800 થી રૂ.1470 ના ભાવે ખરીદી થઇ હતી. રૂ.100-1000 નુકસાની અને ભેજવાળી મગફળીના ભાવ પડ્યા હતા.