હિંમતનગરમાં પરિણીતા પર હુમલો કરાયો

admin
1 Min Read

હિંમતનગરને અડીને આવેલ પરબડામાં ગત રવીવારે એક પરિણીતા પર પોતાના જ પતિએ ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવા માટે 4 શખ્સો દ્વારા હુમલો કરાવ્યો હતો. આ પરિણીતાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. જેને પગલે બી-ડીવીઝન પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પરબડામાં ચિશ્તીયાનગરમાં કાકાના ઘેર રહેતા નૂરજહાબેનના લગ્ન 7 વર્ષ અગાઉ ચિશ્તીયાનગરમાં જ રહેતા ઇદરીશભાઇ ફકીરભાઇ મનસૂરી સાથે થયા હતા. ઇદરીસભાઇને અસ્મા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા સાસરીમાં અને પતિને કહેવા જતા અવાર નવાર ઝઘડા અને મારઝૂડ કરી બે વર્ષ અગાઉ નૂરજહાબેનને કાઢી મૂક્યા હતા અને સમાધાન ન થતા નૂરજહાબેને ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. ઇદરીશભાઇએ અસ્મા સાથે બીજા લગ્ન પણ કરી લીધા હતા.
તા.18/08/19 ના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે અસ્માબેનના પિતા આદમભાઇ અમીભાઇ મનસૂરી, ભાઇ આરીફભાઇ આદમભાઇ મનસૂરી (રહે. તનીષ્ક બંગ્લોઝ) સસરા ફકીર મહમદ જમાલભાઇ મનસૂરી અને પતિ ઇદરીસભાઇ ઇકબાલભાઇ સુલેમાનભાઇ મનસૂરીના ઘર આગળ આવ્યા હતા અને નૂરજહાબેનને ભરણપોષણનો કેસ પાછો ખેંચી લો કહી ગાળો બોલી ઢોર માર માર્યો હતો. બરડામાં લાકડીઓનો માર પડતા નૂરજહાબેનને હિંમતનગર સીવીલમાં ખસેડ્યા હતા. નૂરજહાબેનના કાકા ઇકબાલભાઇને પણ પગે લાકડીઓ મારી હતી. બી ડીવીઝન પોલીસે ઇકબાલભાઇની ફરિયાદને આધારે 4 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article