દેશભરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે દેશવાસીઓ પણ તેમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. દેશના લોકો સ્વચ્છતા પ્રત્યે સજાગ થયા છે તેવું ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ ટેક્સ દ્વારા સફાઈ અભિયાન આરંભાયું હતું. જેમાં ટોલટેક્ષના મેનેજરથી લઈ સ્ટાફ મિત્રો સફાઈ કરતા નજરે પડ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ મુજબ, પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ ટેક્ષના કર્મચારીઓએ સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મેનેજર સહીત સ્ટાફ મિત્રોએ સફાઈ કરી હતી. એટલું જ નહિ તાજપુર-કૂઇ પર પડેલા ખાડાનું હાઇવે તંત્ર દ્વારા પુરાણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વરસાદના લીધે રોડ કેટલીક જગ્યાએ ખરાબ થઇ ગયો હતો જેના કારણે બાઈક સવારને અવરજવરમાં તકલીફ પડતી હોય છે. ટોલ કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી તેમજ ખાડાઓ પુરવાની કામગીરી કરાતા વાહનચાલકોએ પણ તેમની કામગીરીને વધાવી લીધી હતી.
