બોડેલીમાં આસો નવરાત્રીની ઉજવણી

admin
2 Min Read

છોટાઉદેપુર જિલ્લાના ધર્મ અને ઉત્સવપ્રિય બોડેલી નગરમાં દરેક પર્વોની ઉજવણી ખુબ ધાર્મિકતા સાથે રંગે ચંગે કરવામાં આવે છે. ત્યારે માઁ આદ્યશક્તિ માઁ અંબાની આરાધના પૂજા અર્ચના કરવાનો પર્વ એટલે આસો નવરાત્રીની ઉજવણી પણ ખૂબ ધાર્મિકતા સાથે એક ઉત્સવની જેમ રંગેચંગે કરવામાં આવી હતી. ગરબા રસિકો ગરબા ગ્રાઉન્ડ ઉપર ગવાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસમાં નિત નવા નવા પરંપરાગત પોશાકો પરિધાન કરી ગરબે ઘૂમી નવરાત્રી પર્વનો અનેરો આનંદ મેળવી રહ્યા હતા. 

 

નવલી નવરાત્રીના શરૂઆતના બે દિવસ વરસાદ વિઘ્નરૂપ બનતા રાસ ગરબાનાં ખેલૈયાઓ નિરાશ થયા હતા. પણ બે દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા ત્રીજા નોરતાથી બોડેલી અલીપુરા ઢોકલીયામાં વિવિધ સ્થળોએ વિવિધ મંડળો દ્વારા આયોજિત ગરબામાં રાસ ગરબા રસિકો બહારથી બોલાવાતા કલાવૃંદ અને ડીજેના તાલે રાસગરબાની જોરદાર રમઝટ બોલાવી હતી. અલીપુરાના જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા માઁ ખોડીયાર માતાના મંદિરના  વિશાળ ચોકમાં સતત ૫૫ વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે કેવડિયાના મહાકાલી કલાવૃંદના હરીશ પંચાલ અને તેમના સાથી કલાકારોના સુર તાલના સથવારે થતા ગરબાએ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અહીં યુવકયુવતીઓની સાથે સાથે આબાલ વૃદ્ધો તેમજ નાના બાળકો પણ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા છે. અહીં અલીપુરા બોડેલી ઢોકલીયા સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ માતાજીના દર્શનની સાથે સાથે ગરબાની રમઝટ નિહાળવા લોકોની ભારે ભીડ જામતી હોય છે.

Share This Article