સુરેન્દ્રનગરના કરમણપરામાં ડુપ્લીકેટ ચૂનો બનાવી કોપીરાઇટનો ભંગ થતો હોવાની ફરિયાદના લીધે કોપીરાઇટના હક્કોનું રક્ષણ કરતી કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખી દરોડો કર્યો હતો. જેમાં પાર્સલ બનાવવાનું મશીન, ચૂનો, કોથળી સહિત 1.23 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો પકડાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં માવામાં સિદ્ધાંત પાર્સલ ચૂનાનું ખૂબ ચલણ છે. ત્યારે કોપીરાઇટ અને ટ્રેડમાર્કના હિતોનું રક્ષણ કરતી કંપની એમ ફોર ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ સર્વીસીસના માલીક હીરેનભાઇ મુકેશભાઇ પટેલને સુરેન્દ્રનગરના કરમણપરામાં મકાનમાં સીધ્ધાંત ચૂનાનું ડુપ્લીકેશન કરી કોપીરાઇટનો ભંગ થતો હોવાની માહિતી મળી હતી
. આથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એ.એચ.ઘોરીને સમગ્ર હકિકત વર્ણવી ડી સ્ટાફના ડી.જે.વાઘેલા અને એમ.એમ.ઉત્તેળીયા દ્વારા દરોડા પાડ્યા હતા. જેમાં હર્ષદ પ્રતાપભાઇ ખોખલીયા અને પરેશ ગોવિંદભાઇ આહજોલીયા ઝડપાયા હતા. ઘટના સ્થળેથી ચુનાના પાઉચ પેક કરવાનું મશીન રૂપીયા 1 લાખ, સીધ્ધાંત કંપનીના પ્રીન્ટીંગના મોટા રોલ કિંમત રૂપિયા 14 હજાર સહિત રૂપિયા 1,23,190નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ સી.એચ.શુકલ ચલાવી રહ્યા છે.