શહેરના દુધરેજ નજીક રબારી સમાજ દ્વારા ચક્કાજામ

admin
2 Min Read

તાજેતરમાં રબારી સમાજની ગુરૂ ગાદી એવાં દુધરેજ વડવાળા ધામ મંદિરની ગાયોને ચમારજ રોડ ઉપર આવેલ ગૌશાળા ખાતે મુકવા જઈ રહેલ માલધારી સહિત મંદિરના યુવા સંતને જોરાવરનગર પીએસઆઈ સહિતના સ્ટાફે ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડવાનું જણાવી બોલાચાલી બાદ માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. જેના ભાગરૂપે રાત્રે રબારી સમાજ દ્વારા દુધરેજ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને એલસીબી, એસઓજી, એ ડિવીઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો. જો કે આ બનાવના બીજે દિવસે પણ રબારી સમાજના આગેવાનો અને અગ્રણીઓ વડવાળા મંદિર ખાતે ઉમટી પડયાં હતાં અને જવાબદાર પીએસઆઈ સહિત કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવાની માંગ ઉઠવા પામી છે. જ્યારે આ મામલે પીએસઆઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહિં આવે તો આજે સવારે રબારી સમાજના યુવાનો વડવાળા મંદિર ખાતે એકત્ર થશે અને જિલ્લા કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદન પત્ર પણ પાઠવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દુધરેજ વડાવળા મંદિરની ગાયોને લઈ ગોવાળ રામભાઈ રબારી તેમજ મંદિરના યુવા સંત લક્ષ્મણભાઈ ચમારજ રોડ પર આવેલ ગૌશાળાએ મુકવા જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન ગાયો રસ્તામાં ચાલતી હોય જોરાવરનગર પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત હિતુભા ઝાલા, યુવરાજસિંહ પરમાર સહિતનાઓ ખાનગી કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં તે દરમ્યાન ગાયોને દુર હટાવવાનું જણાવ્યું હતું અને તે બાબતે બોલાચાલી થતાં રોષે ભરાયેલ પીએસઆઈ એસ.એસ.વરૂ દ્વારા કારમાંથી ઉતરી રામભાઈ તેમજ લક્ષ્મણભાઈને લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

Share This Article