રાજ્યમાં વર્ષે દહાડે અનેક ગાડીઓમાં આગ લાગવાના કિસ્સા બનતા હોય છે. જેમાં મોટા ભાગની ગાડીઓ ગેસ સંચાલિત હોવાના તારણો વધુ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર આ બાબતે હજુ ગંભીર પગલા ભરે તે ખુબ જ આવશ્યક છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં બહોળા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બસ સ્ટેન્ડ પાસે ઊભેલી મારૂતિ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તારણમાં ગાડીમાં ખામી સર્જાતા ગેસ લીકેજ થયો હતો અને ગાડીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનામાં કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાને કારણે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને એક તરફનો માર્ગ અમુક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા તેણે ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
